સોમવાર, 14 ડિસેમ્બર, 2009

કફન છે


બસ એટલું વ્યસન છે,
શબ્દો હવે શ્વસન છે.


દિલ એટલું સરળ છે;
હરએકનું વતન છે.


વિસ્તારથી જણાવો,
તક છે,સમય છે,મન છે.


થાક્યા કરી કથાઓ;
જાણે વિષય ગહન છે.


શાને કરૂં ઈલાજો?
દર્દો ય આપ્તજન છે.


તમ થી જ ચાલે દુનિયા,
તમને ઘણાં નમન છે.


કોની કરો પરીક્ષા?
કોનું ખરૂં વચન છે?


શબ્દો ઘણાં છે દાહક,
મનની બધી અગન છે.


મુલ્યો ખરીદવા છે-
ક્યાં એટલું ય ધન છે?


કોની હતી વ્યથાઓ?
ઘનઘોર આ ગગન છે.


’ફિરદૌસ’ને સમાવે,
ક્યાં એટલું કફન છે!




શનિવાર, 12 ડિસેમ્બર, 2009



ગમતા નથી



હા!ખુદા વિણ તો અમો કોઈ કને નમતા નથી,
એ ગજાને આંબવાની કોઈની ક્ષમતા નથી.


કોઈને ધિક્કારવાનો છે નહીં મારો સ્વભાવ;
હા!કહ્યું’તું એટલું કે એ મને ગમતા નથી.


ફાંકડી પ્રસ્તાવના ને પૃષ્ઠ સુંદર છે ઘણાં;
છે કમી તો એટલી,કે શેર મનગમતા નથી.


 દોસ્ત!તું એવો ગયો-મહેફિલ ગઈ,મસ્તી ગઈ;
મજલિસોમાં ચાંદ પહેલાં જેમ આથમતા નથી.


જિંદગીમાં એમના યે છે ઘણા ઉપકાર,પણ-
દોસ્ત કંઇ ‘ફિરદૌસ’! નબળી બાજીઓ રમતા નથી.







મારા દેશનો ઝંડો

મારા દેશનો ઝંડો,ભગવો,લીલ્લો,પાનો રોજ ચડાવે;
પણ ભગવા કપડાં,લીલ્લી કફની મુજને ખૂબ ડરાવે.


અમે એક સમયમાં સંતાકૂકડી,છાપ, લખોટી રમતાં;
અને કાગળિયાના પ્લેન ઉડાડી સપને દુનિયા ફરતાં,
પણ આજકાલનાં બચ્ચાંઓને બંધુક-બંધુક ફાવે.
…મારા દેશનો ઝંડો


આ ટોળા,ઝંડા,હલ્લાઓ,આ રક્તપિપાસુ નારા;
મુજ દેશની ગલી-ગલીમાં આ બેફામ રખડતા મારા;
જે હાથ ઉપાડી તલવારો,એ ત્રિરંગો લહેરાવે.
….મારા દેશનો ઝંડો





લખાતી નથી
 


પરાણે પીધેલી પીવાતી નથી;
પીધામાં જરીકે ગણાતી નથી.


જીવનભર બધાની પૂરે ખોટ જે;
કદી ખોટ એની પુરાતી નથી.


ધસે છે નિહાળીને રત્નો ખરે;
નદી એમ (જ)દરિયે સમાતી નથી.


કોઈ ઈંટ એની હશે આખરી;
ઈમારત અધૂરી મૂકાતી નથી.


જીવન છે વિવિધરંગ ફિરદૌસનું;
ગઝલ પણ મુસલસલ લખાતી નથી.




દુનિયા

જીવે છે,મરે છે;અરે!શું કરે છે!
આ દુનિયાના લોકો હજુ ક્યાં ઠરે છે?


કદી બે’ક રંગીન વાતો કરે છે,
પછી બેખુદીમાં ય આહો ભરે છે.


પળે પળ ભરે તોય ચિંતાના શ્વાસો;
મુસીબત સદાનીય ક્યાં સાથ રે’ છે?


જીવે છે હજુ યે ખુદાની જ રાહે,
જો જન્નત નથી,તો કયા આશરે છે?


ઘડીભર તો થોભો,જરા શ્વાસ ખાઓ;
મુહબ્બતની કશ્તી હજુ લાંગરે છે.







ધુમાડો





અડાબીડ મસ્તી,કશમકશ ધુમાડો;
તસોતસ ખુમારી,કસોકસ ધુમાડો.


રસલ રક્સ ગેબી,સૂરીલા શબાબો;
રબાબો,શરાબો,ને દિલકશ ધુમાડો.


નિરર્થક પ્રમાણો,ન તાણો,ન વાણો;
જગત સર્વ ઝાંખું,ને તાદ્રશ ધુમાડો.


અનાગત હશે ક્યાં?કથાગત જશે ક્યાં?
વમળ આ ગ્રસે ક્યાં?હજુ બસ ધુમાડો.


તલબગાર આંખો,મદદગાર પાંખો;
ગતિવશ નજર ,ને મતિવશ ધુમાડો.


રઝળપાટ હસ્તી,ને બેફામ કશ્તી;
બચી બે’ક રાતો,ને બે કશ ધુમાડો.


ગજાબ્હાર જીવ્યો,તડામાર જીવ્યો;
લગોલગ ને લગભગ,રહ્યો બસ ધુમાડો.



જીવનભર રહી છે ય એવી બુલંદી;
ન ‘ફિરદૌસ’ બંદી,ન પરવશ ધુમાડો.





ભાવનગર



તીખા બટેટાઓ,ભૂંગળા,ને ભજિયા,
હીરાને હોંકારે ભાણાંઓ તજિયા.



ગાયોએ ગાંડાને ગાંઠિયો ખવરાવ્યો;
લીંબુની સોડાનો પ્યાલો પધરાવ્યો.



આખી ગંડેરિયું ને પાંત્રિશિયા માવા,
મોટી મોટી દેરિયું ને મોંઘેરા બાવા.



રૂડા ગધેડિયામાં બેટ-દડો રમતા,
દિવસે તો ઠીક ભાઈ,રાતે ય ન ખમતા.



બરકો,તો હોંકારો દેશે આખું ગામ,
બરકો,તો તનમનથી આવીશું કામ;
આવું છે ભાઈ,મારું ભાવનગર ગામ.







વારી ગયા
 

તમારા પ્રેમની ચોપાટમાં લો,ચાંદ પણ હારી ગયા;
ને જાત કોરાણે મુકી આખી ય પરબારી ગયા.


હજારો સૂર્ય ઓગાળી બનાવ્યો એક પડછાયો,
અને એ એટલો નક્કર થયો,કે જાત પર વારી ગયા.


 તમારા એક હિસ્સાની હજુયે સાંજ રાખી છે;
અને હમણાં જ ઠંડાગાર હાથો તાપણું ઠારી ગયા.


હથેળીમાં ઘણાં બરછટપણાનાં વન ઉગાડ્યાં છે;
સમયનાં દોરડાં સાલ્લાં છતાં આબાદ પડકારી ગયા.


હજુ ’ફિરદૌસ’!આજે પણ નથી છાંડી ખુમારી પણ,
બધા એ રોફ સરકારી ગયા,એ ઠાઠ દરબારી ગયા.








એક જણ


નામ વત્તા શ્વાસ વત્તા જિંદગાની એટલે સાકાર થૈ ગ્યો એક જણ;
જીવ નાનો ને ઈરાદા આસમાની એટલે પુરવાર થૈ ગ્યો એક જણ.



દેહ સુક્કો,સાવ લુખ્ખો,હડબડીને હાંફતો ને હાંફતાં યે જીવ ખાતર
જોતરીને જાતને આ હોડમાં યે હાંસિયાથી બહાર થૈ ગ્યો એક જણ.



વાંસળીનાં ધણ ધડાધડ આથડે,ટહુકા નડે,લથબથ પડે ને સાંભળી
નિર્નાદ એનો એક રાધા જેમ ત્યારે એક નો બે-ચાર થૈ ગ્યો એક જણ.



ભૂખથી ભરચક ગલીમાં બે’ક પગલાં સહેજ અણિયાળાં પડ્યાં,ને ભાલમાં
બે લોહીનાં છાંટા પડ્યાં,ને જોતજોતાં તીર ને તલવાર થૈ ગ્યો એક જણ.



એકના આ કેટલા કટકા થયા,ને ઘર,બજારો,ઓફિસોમાં જઈ પડ્યા,ને
એ બધાં ભેગાં કરીને સાંધવાથી માનવી પળવાર થૈ ગ્યો એક જણ.


પ્રકરણ જોઈએ


જીંદગીમાં કો’ક વળગણ જોઈએ;
સાવ સાદું એક પ્રકરણ જોઈએ.


છે મજાની મસ્ત ચાલે જીંદગી,
એટલા માટે પળોજણ જોઈએ.


બેઉની દ્રષ્ટિ ખરેખર એક હો,
બેઉ પાસે એક સમજણ જોઈએ.


રક્તમાં પૂરેપુરૂં વ્યાપી રહે;
સ્વસ્થ એવું એક સગપણ જોઈએ.


એમ આ દુનિયા મહીં ખ્યાતિ રહે,
આપ વિષે કંઈક ચણભણ જોઈએ.


સાવ ધોળા ધફ્ફ ભાંગે દીવસો,
રંગવાને એક ફાગણ જોઈએ.


કેટલી ઈશ્વર વિશે ચર્ચા હતી;
એ બધીનું એક તારણ જોઈએ.


કેમ પ્રેમીની કથા નિષ્ફળ રહી;
સાવ સાચું એક કારણ જોઈએ.


છાપ આ ‘ફિરદૌસ’ની દુનિયા મહીં,
દેખવાને એક દર્પણ જોઈએ.





તબીબોની કોન્ફરન્સ



તબીબોની બેઠક મળી છે ને આજે ખરેખરનો મુદ્દો ઉપસ્થિત થયો છે,
વગર દિલના માણસનું વર્ગીકરણ શું?અને એમ કહેવું કે ગુજરી ગયો છે?


ગણો રોગ એને તો કારણ શું એનું?જો કારણ મળે તો નિવારણ શું એનું?
કયા લક્ષણોથી નિદાન એનું કરવું?અને કેટલો રોગ પ્રસરી રહ્યો છે?


વગર દિલના માણસની સાબિતી શું છે?વગર દિલના માણસની માહિતી શું છે?
કોઈ સંશોધનમાં છે ઉલ્લેખ એનો? કોઈને કોઈ કેસ એવો જડ્યો છે?


હતા એ બધાયે નિરાળા તબીબો,અતિસંવેદનશીલ શાણા તબીબો,
નહીંતર કદી આવા પ્રશ્નોને ક્યાંથી પ્રતિભાવ આવો કદી સાંપડ્યો છે?


દલીલો ઘણી થઈ તબીબોની વચ્ચે ,પ્રથમ તો ઘણાએ કર્યો પ્રશ્ન એવો,
સદા શ્વાસ લે છે,હરે છે,ફરે છે ,અને એમ કહેવું કે માણસ મર્યો છે?


હતા સંમેલનમાં ય એવા ઘણાયે,હતો નાતો જેઓને સાહિત્ય સાથે,
સમજતા હતા એ સ્થિતિનું પ્રયોજન,સમજતા હતા પ્રશ્ન સાચો કર્યો છે.


કહ્યું એમણે કે,હ્રદયનું ધબકવું એ ભૌતિક નથી ફક્ત,એથીય પર છે;
નહીં કાર્ડીયોગ્રામ એના મળે કંઇ,નથી કંઇ પુરાવોય એનો મળ્યો છે.


પરંતુ ખરેખર જે માણસ બીજા માનવીની જરૂરતને સમજી શકે ના,
ભલે શ્વાસ લે છે,હરે છે ફરે છે ,પરંતુ ન સમજો કે જીવી રહ્યો છે.


કદી ના હસે તે વગર દિલનો માણસ,કદી ના રડે તે વગર દિલનો માણસ;
કશું ના અડે તે વગર દિલનો માણસ,નહીં લાગણીથી કદી પાંગર્યો છે.


નથી જાણતા કોઈ કારણ સ્થિતિનું,નથી કોઈ ચોક્કસ નિવારણ સ્થિતિનું,
ફકત લક્ષણોથી નિદાન એનું કરવું,ફકત જાણવું કે એ ગુજરી ગયો છે.


રહ્યા સાંભળી જે સભામાં તજજ્ઞો,એ બોલી ઉઠ્યા ,છે ખરે રોગ વ્યાપક
હશે એમ તો લ્યો,કરો સૌ સમાપન,તને પણ થયો છે,મને પણ થયો છે.!!!








સવાલો હોય છે



‘સરખી જ સૌની છે સુરા,સરખો જ પ્યાલો હોય છે’;
કેવા નશામાં દોસ્તના યે ઉચ્ચ ખ્યાલો હોય છે!


ઊંચો થઈને એમના મોટા ગજાની પાર જો,
એ એકની પાછળ ઘણાયે પાયમાલો હોય છે.


એ ક્યારનો ઊભો અહીં,દેવું જ હો,દે સત્વરે,
એ આદમીની આંખમાં અઢળક સવાલો હોય છે.


સ્વર્ગીય છે વરદાન,પણ દુનિયા મહીં શું ભોગવું?
આપી ગઝલ,ને એ છતાં કેવી બબાલો હોય છે!


છોડો,નહીં આવી શકે અવરોધ પાડીને અહીં,
ફિરદૌસ! એની કેટલી મોંઘી દિવાલો હોય છે!





મંકોડી પહેલવાન


એક મંકોડે ખાધી’તી હાથીની ઠેસ ,કહો મંકોડે કેમ કરી જિરવાયું થાય ?
તોય એને ના લાગ્યું કંઈ ઠેબું યે લેશ,માળું હાળું,આ કેવું રે કૌતુક કહેવાય!


માળો મંકોડો નીકળ્યો રે મંકોડી પહેલવાન,મંકોડી જોઈ-જોઈ અરધી રે થાય ;
એની બહાદુરી ભાળીને ભૂલી ગઈ સાનભાન,હૈયામાં કાંઈ-કાંઈ મરકી રે જાય.
પછી મંકોડે લીધા ભૈ વરણાગી વેશ,એને જોઈને રાફડામાં ફેશન બદલાય;
અને લટકામાં કાતર્યા કરકરીયા કેશ,માળું હાળું,આ કેવું રે કૌતુક કહેવાય!


ને પછી રાફડે ને પાંદડે,લાકડે ને થાંભલે,ચોડ્યા મંકોડાના ફોટા;
એની છાપુંના ઠેર-ઠેર ટી-શર્ટ વેચાય,અને સ્કીમુંમાં સાકરિયા ગોટા.
પછી મંકોડી પ્હેલવાન નીકળ્યો પરદેશ ,એને જોવાને ઠેર-ઠેર લાઈનું બંધાય;
અને ભાડેથી લીધી એક ભગરાળી ભેંશ,માળું હાળું,આ કેવું રે કૌતુક કહેવાય!


વળી મંકોડો બોલ્યોઃહું મંકોડી પહેલવાન,મારો નથી રે કોઈ જોટો;
કરી હિંમત જો કોઈ મુજ સામે જો આવે,એનો ઢોળાવી નાખું રે લોટો.
એક મરઘે સંભાળ્યો મંકોડાનો કેસ;હવે મંકોડો મરઘાની ચાંચે ટીંગાય;
ઓણ મંકોડી પહેલવાન બોલ્યો ના લેશ;માળું હાળું,આ કેવું રે કૌતુક કહેવાય!




ગઝલનો વિષય છે


 

વિહરવું,રઝળવું મજલનો વિષય છે;
શમા જેમ ગળવું ગઝલનો વિષય છે.


ઠરી થાંભલો થઇ ગયેલી ગલીમાં
તમારું નીકળવું કતલનો વિષય છે.


નજાકત કે આફતની જો વાત છેડું;
તમારી સલૂણી શકલનો વિષય છે.


વિચારો ફરજ છે,લગાગા છે સુન્નત;
ને મક્તા’નું મળવું નફલનો વિષય છે;


ગઝલ મયપરસ્તી,ગઝલમય છે હસ્તી;
ગઝલ તો ગઝલ છે,સકલનો વિષય છે.


કલાકાર ઘુંટે,તલબગાર લૂંટે,
ઉભયનું પલળવું અમલનો વિષય છે.


ગઝલ ગાઈ જીવવું, ગઝલ ગાઈ મરવું-
અમારી સૂરીલી નસલનો વિષય છે.


થયે બાગ-’ફિરદૌસ’ સદીઓ ગઇ છે;
પલકભરમાં ફળવું અતલનો વિષય છે.




ખુલ્લી કિતાબ છું

હું છું સવાલ સહેલો,ને અઘરો જવાબ છું;
ને હુ સમય ના હાથની ખુલ્લી કિતાબ છું.


એક યારની ગલી ,બીજી પરવરદિગારની;
ના ત્યાં સફળ હતો,ના અહીં કામિયાબ છું.


પૂછો ના કેમ સાંપડે ગઝલો તણો મિજાઝ;
ફૂલોની મ્હેક છું,અને જૂનો શરાબ છું.


રબ ની દુહાઇ ના દે  નિગાહબાને-દીન તું;
તુજથી વધારે સાફ છું,એહલે-શરાબ છું.


જીવ્યાનો એ મિજાઝ,ને મરવાનો એ રુઆબ;
લાખો રિયાસતો નો બસ એક જ નવાબ છું.

         

                                        —ડૉ.ફિરદૌસ દેખૈયા