મંગળવાર, 19 જુલાઈ, 2011

રંગ રાતો કરે છે


ગઝલ છે સ્વયં એક જાહોજલાલી,મને એ જીવનગાન ગાતો કરે છે,

ગઝલ છે સ્વયં શ્વાસ ધબકાર મારા,ગઝલ રક્તનો રંગ રાતો કરે છે.



કોઈ શબ્દકર્મી,કોઈ શબ્દધર્મી,છે બંને ઉપર શબ્દની મ્હેરબાની,

કોઈ શબ્દ આને કમાતો કરે છે,કોઈ શબ્દ એને જીવાતો કરે છે.



ન જન્નતની કોઈ તમન્ના અમોને,ઈબાદત અહીં ક્યાં કદી આવડી છે!

દુઆ શીખવી છે,પરંતુ ખુદા સાંભળ્યું છે કે અરબીમાં વાતો કરે છે!


મળ્યાં દોસ્ત,ભીનાં થયાં,ઓગળ્યાં કંઇ,ચમકદાર પીળા પ્રવાહીની સંગે,

તબીબી સલાહોની સામે થનારા, બીમારી નથી,પણ દવા તો કરે છે!

વિષયભાન રાખી પધારો સભામાં,ન ‘ફિરદૌસ’ને રંગ દેશો વ્યથાનાં,

હવે વાત માંડો નવી કંઈ મજાની,અહીં તો બધા એ જ વાતો કરે છે.


સોમવાર, 14 ડિસેમ્બર, 2009

કફન છે


બસ એટલું વ્યસન છે,
શબ્દો હવે શ્વસન છે.


દિલ એટલું સરળ છે;
હરએકનું વતન છે.


વિસ્તારથી જણાવો,
તક છે,સમય છે,મન છે.


થાક્યા કરી કથાઓ;
જાણે વિષય ગહન છે.


શાને કરૂં ઈલાજો?
દર્દો ય આપ્તજન છે.


તમ થી જ ચાલે દુનિયા,
તમને ઘણાં નમન છે.


કોની કરો પરીક્ષા?
કોનું ખરૂં વચન છે?


શબ્દો ઘણાં છે દાહક,
મનની બધી અગન છે.


મુલ્યો ખરીદવા છે-
ક્યાં એટલું ય ધન છે?


કોની હતી વ્યથાઓ?
ઘનઘોર આ ગગન છે.


’ફિરદૌસ’ને સમાવે,
ક્યાં એટલું કફન છે!




શનિવાર, 12 ડિસેમ્બર, 2009



ગમતા નથી



હા!ખુદા વિણ તો અમો કોઈ કને નમતા નથી,
એ ગજાને આંબવાની કોઈની ક્ષમતા નથી.


કોઈને ધિક્કારવાનો છે નહીં મારો સ્વભાવ;
હા!કહ્યું’તું એટલું કે એ મને ગમતા નથી.


ફાંકડી પ્રસ્તાવના ને પૃષ્ઠ સુંદર છે ઘણાં;
છે કમી તો એટલી,કે શેર મનગમતા નથી.


 દોસ્ત!તું એવો ગયો-મહેફિલ ગઈ,મસ્તી ગઈ;
મજલિસોમાં ચાંદ પહેલાં જેમ આથમતા નથી.


જિંદગીમાં એમના યે છે ઘણા ઉપકાર,પણ-
દોસ્ત કંઇ ‘ફિરદૌસ’! નબળી બાજીઓ રમતા નથી.







મારા દેશનો ઝંડો

મારા દેશનો ઝંડો,ભગવો,લીલ્લો,પાનો રોજ ચડાવે;
પણ ભગવા કપડાં,લીલ્લી કફની મુજને ખૂબ ડરાવે.


અમે એક સમયમાં સંતાકૂકડી,છાપ, લખોટી રમતાં;
અને કાગળિયાના પ્લેન ઉડાડી સપને દુનિયા ફરતાં,
પણ આજકાલનાં બચ્ચાંઓને બંધુક-બંધુક ફાવે.
…મારા દેશનો ઝંડો


આ ટોળા,ઝંડા,હલ્લાઓ,આ રક્તપિપાસુ નારા;
મુજ દેશની ગલી-ગલીમાં આ બેફામ રખડતા મારા;
જે હાથ ઉપાડી તલવારો,એ ત્રિરંગો લહેરાવે.
….મારા દેશનો ઝંડો





લખાતી નથી
 


પરાણે પીધેલી પીવાતી નથી;
પીધામાં જરીકે ગણાતી નથી.


જીવનભર બધાની પૂરે ખોટ જે;
કદી ખોટ એની પુરાતી નથી.


ધસે છે નિહાળીને રત્નો ખરે;
નદી એમ (જ)દરિયે સમાતી નથી.


કોઈ ઈંટ એની હશે આખરી;
ઈમારત અધૂરી મૂકાતી નથી.


જીવન છે વિવિધરંગ ફિરદૌસનું;
ગઝલ પણ મુસલસલ લખાતી નથી.




દુનિયા

જીવે છે,મરે છે;અરે!શું કરે છે!
આ દુનિયાના લોકો હજુ ક્યાં ઠરે છે?


કદી બે’ક રંગીન વાતો કરે છે,
પછી બેખુદીમાં ય આહો ભરે છે.


પળે પળ ભરે તોય ચિંતાના શ્વાસો;
મુસીબત સદાનીય ક્યાં સાથ રે’ છે?


જીવે છે હજુ યે ખુદાની જ રાહે,
જો જન્નત નથી,તો કયા આશરે છે?


ઘડીભર તો થોભો,જરા શ્વાસ ખાઓ;
મુહબ્બતની કશ્તી હજુ લાંગરે છે.







ધુમાડો





અડાબીડ મસ્તી,કશમકશ ધુમાડો;
તસોતસ ખુમારી,કસોકસ ધુમાડો.


રસલ રક્સ ગેબી,સૂરીલા શબાબો;
રબાબો,શરાબો,ને દિલકશ ધુમાડો.


નિરર્થક પ્રમાણો,ન તાણો,ન વાણો;
જગત સર્વ ઝાંખું,ને તાદ્રશ ધુમાડો.


અનાગત હશે ક્યાં?કથાગત જશે ક્યાં?
વમળ આ ગ્રસે ક્યાં?હજુ બસ ધુમાડો.


તલબગાર આંખો,મદદગાર પાંખો;
ગતિવશ નજર ,ને મતિવશ ધુમાડો.


રઝળપાટ હસ્તી,ને બેફામ કશ્તી;
બચી બે’ક રાતો,ને બે કશ ધુમાડો.


ગજાબ્હાર જીવ્યો,તડામાર જીવ્યો;
લગોલગ ને લગભગ,રહ્યો બસ ધુમાડો.



જીવનભર રહી છે ય એવી બુલંદી;
ન ‘ફિરદૌસ’ બંદી,ન પરવશ ધુમાડો.